शनिवार, 25 अक्तूबर 2008

શિક્ષણ સાથે ‘કેળવણી’ તેમ જ ‘ગણતર’નું મહત્ત્વ

નવરાત્રિના દિવસો પૂરા થયા અને હવે સહુ કોઈ દિવાળી અને નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. સરકારે પગારપંચ દ્વારા તેના કર્મચારીઓના પગારો વધાર્યા. ચારેય બાજુ બોનસ પણ વિતરીત થશે. ક્યાંક તે ઉઘરાવાશે પણ ખરું. આમ બજારમાં નાણાંનો પ્રવાહ વધશે. ફુગાવો છે, મોંઘવારી છે, વિકાસદર ધાર્યા પ્રમાણે થશે તેવી વાતો પણ છે. હવે ચૂંટણીઓ પણ નજીક છે એટલે પ્રજાલક્ષી નિર્ણયો લેવાય કે તેના આશ્વાસનો પણ આપશે. સર્વત્ર રોજગારી વધારવા પર ભાર મૂકાઈ રહ્યો છે. નકસલવાદ અને ત્રાસવાદ જેવી પ્રવૃત્તિ ઘટાડવા શિક્ષણની પણ વાતો થાય છે. એવું કહેવાય છે કે, સમાજમાં સહુ કોઈ શિક્ષિત હશે તો અનેકવિધ પ્રશ્નો પેદા ન થાય. આવાસમાં ઉચ્ચ શિક્ષણ આપતી યુનિર્વિસટીઓ માટેની સંસ્થા યુનિર્વિસટી ગ્રાન્ટ કમિશનનો એક સર્વે ધ્યાન ખેંચે તેવો છે. સરકાર ખાસ ભાર મૂકે છે ઉચ્ચ શિક્ષણ સઘન, રોજગારલક્ષી અને સાર્વત્રિક બનાવવા ત્યારે આ સર્વે વિચારણા માગી લે છે. યુજીસીની પે-રિવ્યુ કમિટીએ કરેલા આ સર્વેનું મુખ્ય તારણ એ છે કે, દેશના વિશ્વ વિદ્યાલયોમાં ૫૧ ટકા જગ્યાઓ પર પ્રાધ્યાપકો નથી. અભ્યાસ કરનારાઓ લાખો છે, પણ તેમને શિક્ષણ આપનારાઓ પૂરતા નથી. આ કમિટીના ચેરમેન પ્રોફેસર જી. કે. ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, યુવાન અને બૌદ્ધિક પ્રતિભા ધરાવનારા હવે શિક્ષણક્ષેત્ર પ્રત્યે એક પ્રકારની સૂગ ધરાવતા થયા છે. આજની પેઢીને ‘પંતુજી’ બનવું નથી. રોજગારની તકો છે, પણ તેનો લાભ લેનાર નથી. સમાજમાં વિવિધ ક્ષેત્રે પણ ખૂબ સારા અને આકર્ષક પગાર-પેકેજ અને નોકરીની સારી પરિસ્થિતિઓ- શરતો બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય. અન્યથા ભારતીય શિક્ષણક્ષેત્રે એક મોટો ખાડો સર્જાશે. તેમણે કોલેજો અને યુનર્વિિસટીના પ્રાધ્યાપકોના પગારો ૭૦ થી ૯૦ ટકા સુધી વધારવાની જાહેરાત કરી હતી. નિવૃત્તિવય પણ ૬૫ વર્ષની કરવાની ભલામણ કરી હતી અને જણાવ્યું હતું કે, ત્યાર બાદ પણ જો વ્યક્તિ સક્ષમ હોય તો તુરંત તેની ફેરનિમણૂક થવી જોઈએ જેથી ઘટ પૂરી થાય.ળ
સર્વેમાં ૪૭ યુનિર્વિસટીઓને સામેલ કરવામાં આવી. જેમાં ૧૦ કેન્દ્રીય, ૨૯ રાજ્યસ્તરીય અને આઠ યુનિર્વિસટી સમકક્ષ માન્યતા પ્રાપ્ત વિશ્વ વિદ્યાલયો હતાં. તેમાં ૫૩ ટકા લેક્ચરર, ૫૧ ટકા રીડર્સ અને ૪૫ ટકા પ્રોફેસરો ઓછા છે. કોલેજોમાં પણ સ્થિતિ સારી નથી. ૪૧ ટકા લેક્ચરર, ૧૮ ટકા રીડર્સ સ્તરે જગ્યાઓ ખાલી છે. જે કોલેજોને સહાય નથી અપાતી ત્યાં ૫૨ ટકા પ્રવેશસ્તરે અને ૪૨ ટકા રીડરસ્તરે ખાલી છે. સરકારી કોલેજોમાં ૪૨ ટકા અને તેમાં પણ કેન્દ્ર દ્વારા જેમને સહાય મળે છે ત્યાં ૪૦ ટકા જગ્યા ખાલી છે. આવી બાબતોના ઉલ્લેખ સાથે યુજીસી ચેરમેને જણાવ્યું હતું કે, ૧૧મી પંચવર્ષીય યોજના મહત્ત્વાકાંક્ષી યોજના છે. ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા પણ તે આ રીતે તો સાર્થક બને તેવું જણાતું નથી. તેમણે ગુણવત્તાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણનાં ગૃહો સ્થાપવાની હાલ જરૃર નથી. ૨૦૦૬માં ૧૦ ટકા કોલેજો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ દ્વારા માન્ય હતી એ-ગ્રેડ તરીકે, ૬૬ ટકા બી-ગ્રેડ તરીકે અને ૨૪ ટકા સી-ગ્રેડ તરીકે. તેવી જ રીતે વિશ્વ વિદ્યાલયોના સ્તરે ૩૨ ટકા એ ગ્રેડમાં, ૫૨ ટકા બી ગ્રેડમાં, ૧૬ ટકા સી ગ્રેડમાં મૂકાઈ હતી.
કમિટીએ ખાસ સૂચવ્યું હતું કે, સરકારે નોંધ લેવી જોઈએ કે, શિક્ષકોની સમાજમાં જે સ્થિતિ છે તે સુધારવી જરૃરી છે તો જ શિક્ષણ સ્તર સુધરશે। આ ઉપરાંત દરેક ક્ષેત્રની જેમ શિક્ષણક્ષેત્રે પણ કાર્યરત સહુ કોઈએ સતત પોતાના જ્ઞાાનને વખતોવખત નવીતમ અને સમૃદ્ધ બનાવવું જોઈએ। ગમે તે વિષય હોય। જગતમાં અત્યારે ગુણવત્તાની જ બોલબાલા છે. સહુએ પોતાના કાર્યક્ષેત્રે નીતનવીનતમ પ્રવાહને ધ્યાનમાં રાખી પોતાની તરાહ બદલતા રહેવું જોઈએ. ઈતિહાસ જેવા વિષયો પણ આજના સંદર્ભમાં ભણાવવા જોઈએ. પગાર-ભથ્થાં- અન્ય શરતો-સુવિધા દરેકની વધવી જોઈએ. પણ સાથે સેવા સુધાર-ફરજ સુધારણા જરૃરી છે. આ ઉચ્ચ શિક્ષણની વાત થઈ. ઉચ્ચ સ્તર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક સ્તરે આવા અધિકૃત સર્વે થાય તો આવી અનેક ઊણપોની જાણ થાય. ઊણપો કે ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ અને વિકાસની આશા રાખવી વ્યર્થ છે. ગમે તેટલી પંચવર્ષીય યોજનાઓમાં ગમે તેવા પેકેજ જાહેર થાય, પણ આજે જરૃર છે નવેસરથી માનસિક કેળવણીની. એકલું શિક્ષણ પૂરતું નથી. ગામડાંઓમાં કે દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ તો ભગવાન ભરોસે જ ચાલતી હોય છે. આવું અપૂરતું, અધૂરું શિક્ષણ મેળવનારને સાક્ષરતા અભિયાનનો ભાગ માની શકાય, પણ તેને ‘શિક્ષિત’ કહેવો કે કેમ તે એક પ્રશ્ન છે. આજે શિક્ષણ પ્રત્યે સામાન્ય લોકો નોકરીલક્ષી નજરથી જુએ છે. તેમને ભણતરની સાથે ગણતર કે શિક્ષણની સાથે કેળવણીની કોઈ અનિવાર્યતા જણાતી નથી. તેવી જ રીતે શિક્ષણ આપનારાઓ પણ આવકની દૃષ્ટિથી દરેક વ્યવસાયને જુએ છે. ભલે તે ડાબા હાથની કેમ ન હોય. ‘સ્વ’ વિકાસમાં મોટા ભાગે કોઈને રસ નથી. જે કોઈ સમાજમાં અગ્રણી સ્થાન ધરાવે છે દરેક ક્ષેત્રે તેઓ પણ મોટા ભાગે વાતો જ મોટી મોટી ઉપદેશાત્મક કરતા હોય છે. ખાનગીમાં જોવા જોઈએ તો તેમને પણ ‘કેળવણી’ અને ‘ગણતર’ ફરી ‘રિફ્રેશ’ કરવાની જરૃર છે. તાજેતરમાં જાણવા મળ્યું કે, જે ત્રાસવાદીઓ પકડાયા તે અતિ ઉચ્ચ શિક્ષણ મેળવનાર અને પોતપોતાના ક્ષેત્રે નિષ્ણાત છે. આવા જ લોકો રાજકારણ સહિત દરેક ક્ષેત્રે હોવા જોઈએ. દરેક જાતિમાં, કોમમાં અને દરેક વિસ્તારમાં હોવા જોઈએ. બાકી તો પશુઓ પણ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. બૌદ્ધિક પ્રતિભા માનવામાં જ છે. પ્રશ્ન એટલો જ છે તે સર્વોપયોગી નથી બનતી. શિક્ષણ સંસ્થાઓમાં પણ પ્રવેશ મેળવ્યા બાદ અધવચ્ચે છોડી દેનારની સંખ્યા પણ મોટી છે તે પણ રોકવું જોઈએ. [ सौजन्य : संदेश अख़बार ]